VAT (Value Added Tax) વેટ એટલે શું ? વેટના ફાયદા, વેટની ગણતરીની કાર્યપધ્ધતિ, વેટ હેઠળના દર અને રજીસ્ટ્રેશન

Join Whatsapp Group Join Now

વેટ એટલે શું ? વેટના ફાયદા, વેટની ગણતરીની કાર્યપધ્ધતિ, વેટ હેઠળના દર અને રજીસ્ટ્રેશન

વેટ એટલે શું ? VAT (Value Added Tax)

વેટ એટલે મૂલ્ય વર્ધિત કર વેટમાં વેપારી દ્વારા કોઇપણ વસ્તુના વેચાણ ઉપર આપવાના થતા કરમાં વસ્તુની ખરીદી કરતી વખતે આપવામાં આવેલ વેરાની ટેક્ષ-કેડિટ બાદ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો… વસ્તુના મૂલ્યમાં જે વધારો કે ઉમેરો કરવામાં આવે છે, તેટલી જ કિમંત ઉપર ટેક્ષ ભરવાનો થાય છે.

શું, વેટ એ એક વધારાનો વેરો છે?

હાલ ગુજરાત રાજ્યમાં વેચાણવેરા વિભાગ દ્વારા ત્રણ વિવિધ પ્રકારના કાયદાનું પાલન કરાવવામાં આવે છે.

 1. ગુજરાત વેચાણવેરા અધિનિયમ, 1969
 2. બોમ્બે સેલ્સ ઑફ મોટર સ્પીરીટ ટેક્સેશન એક્ટ-1958
 3. ગુજરાત શેરડી ઉપરના ખરીદવેરા અધિનિયમ, 1989

આમ હાલમાં ત્રણ કાયદાઓ દ્વારા સામાન્ય ચીજવસ્તુ ઉપર, પેટ્રોલ-ડીઝલ ઉપર અને શેરડી પર વેરો લેવામાં આવતો હતી. તા. 1-4-2006 થી આ સામાન્ય કાયદાઓને વેટનાં. કાયદામાં ભેળવી દેવામાં આવે છે, એના કારણે ત્રણ અલગ અલગ કાયદાના પાલનને બદલે એક જ કાયદા દ્વારા તમામ ચીજવસ્તુના વેરાની જવાબદારીનું પાલન કરાવવામાં આવશે. આમ વેટના કારણે એક વધારાનો વેરો ઉપસ્થિત થતો નથી, પરંતુ ત્રણ અલગ અલગ કાયદાને નાબુદ કરવામાં આવેલા છે.

વેચાણવેરાથી વેટ તરફ

રાજ્યના અર્થતંત્રને ગતિશીલ રાખવા વેચાણવેરો મહત્ત્વનો રહેલ છે. વેચાણવેરાના પ્રવર્તમાન માળખા પ્રમાણે કાચો માલ અને તૈયાર માલ પર લેવામાં આવતા આવતા વેરાના કારણે વેરો બેવડાય છે અને જ્યારે તૈયાર માલની નિકાસ થાય છે ત્યારે બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં તૈયાર થયેલ માલની કિમંત ઘણી જ વધારે હોય છે, જે આજના સ્પર્ધાત્મક યુગમાં વેપારીને તથા વ્યાપક રીતે દેશના સમગ્ર અર્થતંત્ર માટે નુકશાનકર્તા નીવડે છે. ઉત્પાદકો, આયાતકાર તથા નિકાસકાર માટે વેચાણવેરાની બેવડાયેલ અસરો નિવારી શકાય છે, આમ વેટની કર પદ્ધતિ વધુ સરળ, પારદર્શક અને પ્રગતિશીલ બને છે. જેના ફાયદા આ મુજબ છે.

વેટના ફાયદા

સમગ્ર વિશ્વમાં 130 થી વધુ દેશોમાં વેટ કર પ્રણાલી અમલમાં છે. ભારતમાં આઝાદીના સમયગાળા બાદ વેટ કર પ્રણાલીનો સ્વીકાર એ સૌથી મહત્ત્વના આર્થિક સુધારો ગણાય છે, આ અંગેના કારણો નીચે મુજબ છે.

 • ચીજવસ્તુના ખરીદ-વેચાણ પર કેડિટની જોગવાઇના કારણે કરનું ભારણ એક તબક્કેથી દૂર થાય છે.
 • વેટની કર પ્રણાલી સરળ અને પારદર્શક છે.
 • વેટનાં કારણે આર્થિક ઉદારીકરણનાં યુગમાં વિકાસનાં વેચાણો સ્પર્ધાત્મક બને છે.
 • કરચોરીનું પ્રમાણ ઘટે છે.
 • વેપારીઓ દ્વારા કરવામાં આવતી ખરીદી ઉપર ભરેલ વેરાની ટેક્ષ ક્રેડીટ આપવામાં આવે છે.
 • વર્ષ : 2005-06 ની ખરીદીઓ પૈકીના બંધ સ્ટોક પર ભરેલ વેરાની ક્રેડિટ મળવાપાત્ર થાય છે.
 • વેટમાં 80 ટકા કેસો સ્વયે આકારણીથી પૂર્ણ કરવામાં આવશે. આમ આ કાયદો વેપારી વર્ગની સ્વયં શિરત પર આધારિત છે.
 • વેટની જોગવાઈઓના અમલીકરણમાં સરળતા અને પારદર્શકતા રહેલી છે.
 • કેપીટલ ગુડસની તા. 1-4-06 પછીની ખરીદી ઉપર ટેક્ષ ક્રેડિટ આપવામાં આવશે.
 • ધારાકીય ફોર્મ્સની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
 • નિકાસ કરવામાં આવતા માલના કિસ્સામાં રીફંડ ત્રણ માસમાં ચૂકવવામાં આવશે.

વેટની ગણતરીની કાર્યપધ્ધતિ

વેટ કર પ્રણાલીમાં પ્રત્યેક નોંધાયેલ વેપારીઓ પોતાના વેચાણો ઉપર વેરો ઉઘરાવશે. જો કે તેણે પોતાની ધંધાકીય ખરીદીઓ પર ભરેલ વેરાની ટેક્ષ ક્રેડિટ બાદ કરીને માત્ર નેટ વેરો સરકારી તિજોરીમાં ભરવાનો રહેશે. આમ વેરો ભરવાની જવાબદારી અને ટેક્ષ ક્રેડિટની વ્યવસ્થાને કારણે વેરાનું ભારણ કોઇ એક તબક્કે એક સામટું આવતું નથી અને ઉત્પાદક – જથ્થાબંધ વિકેતા – છુટક વિક્રેતા એમ દરેક તબક્કે વેરાનું મૂલ્ય વૃદ્ધિ ઉપર ભારણ આવશે.

નેટ વેટ = T – C

T = વેચાણ ઉપર ભરવાપાત્ર વેરો અને

C = ખરીદીઓ બાબતે મળવાપાત્રા ટેક્ષ ક્રેડીટ

જો ભરવાપાત્ર વેરા કરતાં મળવાપાત્ર ટેક્ષ ક્રેડીટ વધારે હોય તો રીફંડ પણ ઉદ્ભવી શકે છે.

વેટ હેઠળના દર અને રજીસ્ટ્રેશન

વેટ હેઠળ વેરાના દરો સરળ બનાવવામાં આવેલ છે. મુખ્ય કરના દર માત્ર બે જ છે.

 1. ઉત્પાદનમાં વપરાતો કાચો માલ તથા વપરાશી માલ જેના પર વેરાનો દર 4 ટકા છે.
 2. આ વર્ગ તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની સિવાયની તમામ અન્ય વસ્તુઓનો સમાવેશ 12.5 ટકામાં થાય છે.

આ સિવાય સોના-ચાંદી પર 1 ટકા તેમજ નેસ્થા, કેરોસીન, લીગ્નાઇટ, પેટ્રોલ, ડીઝલ, જેવી ચીજો ઉપર કેટલાંક વિશિષ્ટ દરો 16 ટકાથી 26 ટકા સુધીના નિયત કરેલ છે.

રજીસ્ટ્રેશન

વેચાણવેરાના કાયદાની જેમ વેટ હેઠળ ઉત્પાદકો, પુનઃવેચાણકાર, આયાતકાર, તથા નિર્દિષ્ટ વેચાણ કરનાર વેપારીઓ માટે અલગ અલગ ટર્ન ઓવરની મર્યાદા નથી. વેટ હેઠળ રૂ. 5 લાખ કરતાં વધુ ટર્નઓવર થાય અને તેમાં 10 હજાર કરતાં વધારે વેરાપાત્ર ટર્નઓવર હોય તેવા સંજોગોમાં વેટ હેઠળ વેપારી નોંધણી નંબર લેવા માટે જવાબદાર થાય છે. તા. 1-4-06 પછીથી જે વેપારી વેટ ભરવા જવાબદાર થાય તેઓનું ટર્નઓવર જે દિવસે મર્યાદા વટાવશે તે દિવસથી 30 દિવસની અંદર પોતાના ધંધાની મુખ્ય જગ્યા જે સત્તાધિકારીના કાર્યક્ષેત્રધિકારમાં પડતી હશે તેઓને અરજી કરવાની રહે છે. આ અરજી નમુના નં. : 101 માં કરવાની રહે છે. વેપારીએ નમૂના : 101 ની અરજી સાથે 101-એ, 101-બી, 101-સી, 101-ડી તથા 101-ઇ ની નમૂના જોડવાના રહે છે. પ્રાસંગિક વેપારી અથવા હરાજી કરનારા જો તેમના વેચાણોનું વેરાપાત્ર ટર્નઓવર રૂ. 10 હજાર કરતાં વધી જાય તો નોંધણી નંબર લેવા માટે જવાબદાર થાય છે.

Leave a Comment