ટૂંક સમયમાં યૂ-ટયૂબ લૉન્ચ કરશે પોતાનો ઓનલાઇન સ્ટોર

વિશ્વભરમાં યૂ-ટયુબ સૌથી વધુ લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. અને આ પ્લેટફોર્મની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને જ યૂ-ટયુબ પોતાના પ્લેટફોર્મમાં સમયાંતરે બદલાવ અને નવાં નવાં ફીચર્સ પ્રસ્તુત કરતું રહે છે.

એક રિપોર્ટ અનુસાર યૂ-ટયુબ નજીકના સમયમાં જ પોતાનો એક ઓનલાઇન સ્ટોર લૉન્ચ કરવા જઇ રહ્યો છે. તેમજ ઓનલાઇન સ્ટોર લાવવા માટે યૂ-ટયુબ છેલ્લા 18 મહિનાથી કાર્યરત છે.

એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે યૂ-ટયુબે આ ઓનલાઇન સ્ટોરનું નામ 'ચેનલ સ્ટોર' રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે યૂ-ટયુબના ઓનલાઇન સ્ટોર વિશેની આ પહેલી કોઇ જાણકારી સામે આવી છે.

આ પહેલાં તે વિશેની કોઇ જાણકારી ક્યારેય લીક નથી થઇ. તેવામાં યૂ-ટયુબે પણ અત્યાર સુધી પોતાના ઓનલાઇન સ્ટોર વિશે ઓફિશિયલ નિવેદન આપ્યું નથી.

ટૂંકમાં, યૂ-ટયુબ પોતાના ઓનલાઇન સ્ટોર દ્વારા સેટેલાઇટ ટીવીવાળા યૂઝર્સ એટલે કે ઘર પર બેસીને ટીવી જોવાવાળા સામાન્ય યૂઝર્સને પણ સબ્સક્રિપ્શન બેઝ્ડ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પર લાવવાનંુ ઇચ્છી રહ્યા છે.

જો તેને વિસ્તારથી સમજીએ તો જેમ તમે ઘરે ટીવી જુઓ છો અને તેને જોવા માટે ડીટીએચનો વિશેષ ઉપયોગ કરો છો, તો હવે તે કામ યૂ-ટયુબ પર પણ થઇ જશે. યૂ-ટયુબ પોતાના આ પ્લાન માટે કેટલીક મોટી કંપની સાથે વાતચીત પણ કરી રહી છે.