પરીણિત યુગલ ઇચ્છે ત્યારે જ માતા-પિતા બની શકે! પ્રથમ સંતાનની પરવરિશ કરી તે સંતાન સ્વયેની કાળજી લેવા જેવું સક્ષમ બને ત્યારે જ બીજા સંતાનને જન્મ આપે! અને એક કે બે સંતાનથી જ સંતાનપ્રાપ્તિ પર પૂર્ણવિરામ મૂકી નિશ્ચિત બની શરીરસુખ (સંભોગ) માણી શકે! શું આ શક્ય છે? હા, આવું આયોજન એટલે કુટુંબનિયોજન, જેને અંગ્રેજીમાં ફેમિલી પ્લાનિંગ કહેવાય છે.
સફળતાપૂર્વક કુટુંબ નિયોજન કરવા ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવવી જોઇએ. ગર્ભનિરોધની જુદી-જુદી અનેક પદ્ધતિઓ અમલમાં છે. દરેક પદ્ધતિના ફાયદા-ગેરફાયદા અને સફળતા-નિષ્ફળતા હોય છે. કોઇપણ પદ્ધતિ અપનાવતા પહેલાં ડૉકટરને મળીને તેના લાભાલાભ તથા સફળતાની ચર્ચા કરીને જ અપનાવવી યોગ્ય ગણાય. અહીં આપણે ગર્ભનિરોધની જુદી-જુદી પદ્ધતિઓ વિશે પાયાની જાણકારી મેળવીશું.
સ્તનપાન દ્વારા કુટુંબ નિયોજન
સ્તનપાન કરતાં બાળકના હોઠનો સ્પર્શ માતાના સ્તનની નિપલ ઉપર વારંવાર થવાને કારણે માતાના શરીરમાં પ્રોલેકટીન નામના હોર્મોનનો સ્ત્રાવ વધે છે. જેને કારણે ઓવ્યુલેશન (અંડકોષમાંથી સ્ત્રી બીજનું છૂટું પડવું તે) થતું અટકે છે. અને તેથી ગર્ભાધાન થતું નથી.
ફાયદાઓ
- અસરકારક અને નૈસર્ગિક છે.
- સંભોગ દરમિયાન અન્ય કોઇ સાધન વાપરવાનું ન હોવાથી અડચણ થતી નથી.
ગેરફાયદાઓ
- આ પદ્ધતિ 100% સફળ પદ્ધતિ નથી.
- ઘણી મહિલાઓમાં ડિલિવરી પછી માસિકચક્ર શરૂ થયું ન હોવા છતાં ઓવ્યુલેશન શરૂ થઇ જાય છે. તેથી ડિલિવરી પછી ૬ માસથી વધુ સમય આ પદ્ધતિ અસરકારક રહેતી નથી. અને માસિકચક્ર ચાલુ થયા બાદ આ રીત તદ્દન બિનઉપયોગી બને છે.
યોનિ બહાર વીર્યનું ખલન : સંભોગમાં અવરોધ
આ પદ્ધતિને અંગ્રેજીમાં કોઇટ્સ ઇન્ટરપ્ટસ્ અથવા વીથડ્રોઅલ મેથડ કહે છે. શરીર સંભોગ દરમિયાન વીર્ય ખલનની થોડી ક્ષણો પૂર્વે જ પુરુષના શિશ્નને યોનિમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. જેથી વીર્યનું યોનિમાર્ગની બહાર સ્મલન થાય છે. એટલે કે શુક્રાણુઓ યોનિમાં નહીં પણ બહાર ઠલવાતાં હોવાથી ગર્ભાધાન થતું નથી.
ફાયદાઓ
- કોઇ સાધન વાપરવાની જરૂર રહેતી નથી.
- કોઇ શારીરિક આડઅસર (સાઇડ ઇફેકટ) થતી નથી.
- પુરુષ પોતાના ઉપર સંયમ રાખે અને સાવધાનીપૂર્વક વર્તે તો આ રીત અસરકારક છે.
ગેરફાયદાઓ
- જેઓ પોતાના પર સંયમ ન રાખી શકે, અને યોગ્ય ક્ષણે શિશ્નને બહાર કાઢવામાં વિલંબ કરે તેવાઓ માટે આ રીત ઉપયોગી નથી.
- 10 થી 15% નિષ્ફળતા મળે છે.
કેલેન્ડર પદ્ધતિ
આ પદ્ધતિ માસિકચક્રના દિવસોની ગણતરીના આધારે અપનાવવામાં આવે છે, તેથી તેને કેલેન્ડર પદ્ધતિ કહે છે. જે મહિલાનું માસિકચક નિયમિત હોય તેવા યુગલે માસિક ધર્મના દશમાં દિવસથી અઢારમાં દિવસ સુધી સંભોગ કરવો નહીં, બાકીના દિવસોમાં સંભોગ કરી શકાય. અંડકોષમાંથી સ્ત્રી અંડનું બહાર પડવું અને તેનું સક્રિય રહેવું માસિકચક્રના દશમાં દિવસથી અઢારમાં દિવસ સુધી હોય છે. તેથી તેટલાં દિવસો સંભોગ અટકાવવામાં આવે તો ગર્ભાધાનથી બચી શકાય છે.
ફાયદાઓ
- કોઇપણ પ્રકારનું સાધન વાપરવામાં આવતું નથી.
ગેરફાયદાઓ
- અનિયમિત માસિકચકવાળી મણિલાખોને ઉપયોગી નથી.
- 10-15% નિષ્ફળતાનો ઊચો દ૨ રહે છે.
- સ્તનપાન કરાવતી માતા માટે મા પદ્ધતિ ઉપયોગી નથી.
કેમિકલ મેથડ અથવા સ્પર્મિસાઇડલ (શુક્રાણુનાશક) દવાઓ
મહિલાના યોનિમાર્ગમાં જો સંભોગપૂર્વે એવી દવાખો દાખલ કરવામાં આવે કે જે યોનિમાં પ્રવેશતાં પુરુષનો વીર્યનો શુક્રાણુઓનો નાશ કરે તો ગર્ભાધાન થાય જ નહીં. આવા સિદ્ધાંત પર આ પદ્ધતિ કામ કરે છે, આ હેતુ અર્થે ટેબ્લેટ અને ક્રિમ-જેલીનો ઉપયોગ કરવામાં આવે છે.
ફાયદાઓ
- સરળ છે.
ગેરફાયદાઓ
- દરેક સંભોગ પહેલા અચૂક વાપરવી પડે છે.
- સંભોગમાં અડચણ ઊભી થઇ શકે છે.
- આ રીતથી 79% જ રક્ષણ મળે છે.
કોન્ડોમ (નિરોધ)
કોન્ડોમ રબ્બરનો ટોટો છે, જે પુરુષની ઉન્નત લિંગ ઉપર ચઢાવવામાં આવે છે, જેથી ખલન થતું વીર્ય યોનિમાં પ્રવેશવાને બદલે કોન્ડોમમાં જ એકત્રિત થાય છે. જેનો બહાર નિકાલ કરવામાં આવે છે. બજારમાં જુદા- જુદા પ્રકારનાં પાતળાં, અતિ પાતળાં, તૈલી, ચીકણાં, વીર્યનાશક દવાઓયુક્ત અને તૈલી પદાર્થ ચોપડેલાં કોન્ડોમ મળે છે. દર સમાગમ વખતે તૂટી ન જાય તે રીતે વાપરવું જોઇએ.
ફાયદાઓ
- નવયુગલ દંપતી માટે, ક્યારેક જ સમાગમ કરતાં દંપતી માટે, જેમ કે : વ્યવસાય અર્થે બહાર રહેતાં પુરુષો માટે, તેમજ વેકેશન કે રજાના દિવસે ઘરે આવીને સમાગમ કરતાં પુરુષો માટે આ યોગ્ય પદ્ધતિ છે.
ગેરફાયદાઓ
- નિષ્ફળતા 10-15%
- દર સમાગમ વખતે વાપરવું જ પડે છે.
- નિરોધના સ્પર્શના કારણે પુરુષની લીંગ પર રતાશ ખંજવાળ આવી શકે.
- અંતરાયને કારણે કુદરતી સમાગમ જેવો આનંદ મળતો નથી.
સ્ત્રી કોન્ડોમ
આ પણ મહિલાએ પહેરવાનું એક પ્રકારનું નિરોધ જ છે. વજાઇનલ ડાયાફામ, સર્વાઇકલ કપ નામે ઓળખાતાં સ્ત્રી કોન્ડોમ બહુ પ્રચલિત ન હોવાથી તેની ચર્ચા પ્રસ્તુત નથી.
ગર્ભનિરોધક ગોળીઓ
બજારમાં મળતી ગર્ભનિરોધક ગોળીઓ મૂળભૂત રીતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવોનું સંયોજન હોય છે. આધુનિક ગોળીઓ શક્ય તેટલા હળવા ડોઝની હોય છે. જે માસિકચકના ૧-૫ દિવસની અંદર, શરૂ કરી, નિયમિત રોજ રાત્રે જમીને એક ડોઝ પ્રમાણે લેવાની હોય છે. દરેક ગર્ભનિરોધક ગોળીઓ અંડપિંડમાંથી સ્ત્રી બીજને છૂટું પડતું અટકાવે છે. અને સ્ત્રીબીજ વિના ગર્ભાધાન અસંભવ બને છે.
ફાયદાઓ
- સફળતાનો દર ઘણો જ ઊંચો હોય છે, લગભગ 100%
- માસિક ઓછું અને દર્દરહિત નિયમિત આવે છે.
- ગર્ભનિરોધક ગોળીઓ કોપર-ટીનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
- પાંચ વર્ષ સુધી સલામત રીતે વાપરી શકાય છે.
- માલા-ડી કે માલા-એન તરીકે ઓળખાતી ગોળીઓમાં હોર્મોનનો ઓછો ડોઝ હોવાથી સલામત છે.
- મોઢા પરના ખીલ, અયોગ્ય જગ્યાએ થતું ગર્ભાધાન જેવાં અન્ય રોગોના જોખમમાં ઘટાડો નોંધાયો છે !
ગેરફાયદાઓ
- રોજ અને નિયમિત લેવી જ પડે છે.
- ઊલટી-ઉબકા, એસિડિટી તથા વજનમાં સામાન્ય વધારો થાય છે.
- સ્તનપાન દરમ્યાન ન લઇ શકાય.
ગર્ભનિરોધક ગોળીઓ વિશે કલ્પિત વાતો
- કેન્સર થાય છે – આ માન્યતા પયાવિહોણી છે.
- વંધ્યત્વ(ઇન્ફર્ટિલિટી)આવે છે – ગલત માન્યતા છે, આવું સાબિત થયું નથી.
- બાળક ખોડવાળું જન્મે છે. – આ કલ્પના માત્ર છે, જેમાં તથ્ય નથી.
- વચ્ચે-વચ્ચે બંધ કરવી જોઇએ – ના
- સ્ત્રીના આરોગ્યને કાયમી નુકસાન થાય છે – આ માન્યતામાં વજૂદ નથી.
ગર્ભ નિરોધક ઈંજેકશન
ડેપો-પ્રોવેરા અને નેટ-મેન નામના ગર્ભનિરોધક ઇંજેકશનો બજારમાં મળે છે. આ એ પ્રકારના ઇંજેકશનો છે જેનાં એક ડોઝથી ત્રણ મહિના સુધી ૧૦૦% ગર્ભધારણ રોકી શકાય છે. જે પ્રોજેસ્ટેરોન હોર્મોનમાંથી બનેલાં હોય છે. આ ઇંજેક્શનો અંડકોષમાંથી સ્ત્રી બીજ છૂટું પડતાં અટકાવે છે. જેથી ગર્ભાધાન થતું નથી.
ફાયદાઓ
- માસિક વખતે દુઃખાવામાં રાહત મળે છે.
- એકવાર લેવાથી ગર્ભાધાનમાં ૩ મહિના સુધી રક્ષણ મળે છે.
- ગોળીઓની જેમ યાદ રાખી દરરોજ લેવું પડતું નથી.
- પાંડુરોગ (એનીમિયા) મટાડવામાં ફાયદો થતો જોવા મળે છે.
ગેરફાયદાઓ
- માસિક ઓછું આવવું, થોડું થોડું આવવું.
- લાંબા સમય સુધી લેવામાં આવે તો વજનમાં વૃદ્ધિ થાય છે.
- સ્તનપાન કરાવતી મહિલાઓ ન લઇ શકે.
કોપર-ટી : લૂપ
ઇન્દ્રાયુટરાઈન કોન્ટ્રાસેપ્ટીવ ડીવાઇસ (IUCD) ના નામથી ઓળખાતી આ પદ્ધતિ સામાન્ય વાતચીતમાં લૂપના નામથી પ્રચલિત છે. તેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર T જેવો હોવાથી અને તેના પર તાંબા (કોપર) ના બારિક વાયર વીંટાળેલા હોવાથી તેને કોપર- ટી કહે છે. તે એટલું નાજુક અને હળવું ફૂલની પાંખડી જેવું હોય છે કે, હથેળીમાં રાખી હળવી ફૂંક મારવામાં આવે તો પણ ! ઊડી જાય ! આ સાધનને ડૉકટર ગર્ભાશયમાં બેસાડી આપે છે. જેની હાજરીથી શુક્રાણું અને સ્ત્રી બીજના મિલન વચ્ચે અવરોધ ઊભો થાય છે. અને ગર્ભાધાન થતું નથી.
કોપર-ટી, કોપર-૩૮૦, મલ્ટીલોડ કોપર-ટી, જુગાર્ડ, ઝિ કોર્ડ જેવા જુદા-જુદા આકારની, જુદા જુદા સમયગાળા (૩-૧૦ વર્ષ સુધી ચાલે તેવી બજારમાં ઉપલબ્ધ છે, જે દર્દીએ ખરીદવાની હોય છે. ખાનગી ડૉકટર ફી વસૂલી તે મૂકી આપે છે. સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્ય મૂકવામાં આવે છે. કોપર- ઢી રજોદર્શન દરમિયાન પાંચ દિવસમાં અથવા પ્રસૂતિ પછી દોઢ-બે મહિને મુકાવવી જોઇએ.
ફાયદાઓ
- ગર્ભ નિરોધક તરીકે સસ્તી અને સલામત.
- સંભોગ કે આનંદમાં વિક્ષેપ પડતો નથી.
- રાફળતાનો દર ઊંચો.
- ભારતીય મહિલાઓમાં, ખાસ કરીને દવા લેવામાં અનિયમિત તથા દર સમાગમ વખતે સાધન ન વાપરતી મહિલાઓ માટે આ એક ઉત્તમ સાધન છે. એકવાર મુકાવ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ઝંઝટ રહેતી નથી.
ગેરફાયદાઓ
- 10-15% સ્ત્રીઓને વધારે માસિક આવવું.
- કોપર-ટી સાથે જ ગર્ભ રહી જવો.
- કોપર-ટી ગર્ભાશયમાં હોવાને કારણે ક્યારેક ફેલોપિયન ટ્યૂબ (ગર્ભનલિકા)માં ગર્ભ રહેવાની શક્યતા રહે છે.
- એક પણ બાળક ન હોય તેવી સ્ત્રી માટે હિતાવહ નથી.
- પેડુમાં સોજો કે ચેપ થઇ શકે.
નોંધઃ કોપર-ટી મુકાવવાથી વજન વધે છે કે ઘટે છે એવી માન્યતા ખોટી છે.
મિરેના કોપર-ટી
આ પણ એક કોપર-ટીનો જ પ્રકાર છે. જે માત્ર પ્રોજેસ્ટેરોન હોર્મોનનો સ્રાવ કરે છે અને કાર્ય કરે છે. જે ફેમિલી પ્લાનિંગ ઉપરાંત જેને વધુ પડતું માસિક આવતું હોય તેની સારવારમાં પણ વપરાય છે.
ફાયદાઓ
- માસિકનો સ્ત્રાવ ઓછો કરે છે.
- પેટમાં દુઃખાવામાં રાહત આપે છે.
- તેનો કાર્યકાળ પાંચ વર્ષનો છે.
- ગર્ભાશયમાંથી બહાર કાઢયા બાદ માસિકચક્ર ફરી નિયમિત થઇ જાય છે.
- અન્ય કોપર-ટી ની જેમ જ સલામત છે.
ગેરફાયદાઓ
- વજન વધવું, ઊલટી-ઉબકા થવાં.
- ખીલ થવાં.
- મોંઘી હોય છે.
નોર-પ્લાન્ટ
આ એક હોર્મોનની બારિક કેસૂલ હોય છે. તેને ચામડીમાં પંખા આકારનો કાપો મૂકી ચામડી નીચે મૂકવામાં આવે છે. આ રીતથી પાંચ વર્ષ સુધી ગર્ભાધાન સામે રક્ષણ મળે છે, પરંતુ આજકાલ આ પદ્ધતિ અમલમાં નથી.
E-PILLS : ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ગોળીઓ)
ઇ.પિલ્સ એ કોન્ટ્રાસેપ્ટિવની એક હોર્મોન આધારિત પદ્ધતિ છે. જે અસુરક્ષિત જાતીય સંભોગ પછી ગર્ભાધાન અટકાવવા માટે વપરાય છે. આ પિલ્સ નિયમિત લેવાની હોતી નથી પરંતુ ખાસ-આકસ્મિક સંજોગોમાં લેવાની હોય છે, જેવા કે :
- ગર્ભ નિરોધના ઉપયોગ વગર જાતીય સમાગમ કર્યો હોય અને ગર્ભાધાન થવાનો ભય હોય.
- સંભોગ દરમિયાન કોન્ડોમ તૂટી ગયું હોય.
- મુખથી લેવાની ગર્ભનિરોધક ગોળીઓ નિયમિત લેવાનું ચૂકાઇ ગયું હોય.
- સ્ત્રી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય.
E-PILLS ડોઝ
બે ગોળી લેવાની હોય છે. પ્રથમ ગોળી : અસુરક્ષિત જાતીય સમાગમના ૭૨ કલાકમાં, એટલે કે ૩ દિવસની સમય મર્યાદામાં, અને બીજી ગોળી : પ્રથમ ગોળી પછી ૧૨ કલાકે. જો ગોળી લીધા બાદ એક કલાકમાં ઊલટી થાય તો, ઊલટી બંધ કરવાની દવા લઇ ફરી બીજી ગોળી લેવી.
ઊબકા થવાની સંભાવના અટકાવવા માટે ગોળી લેવાની ૩૦ મિનિટ પહેલા એક ગ્લાસ દૂધ લેવું.
E-PILLS કેવી રીતે કામ કરે છે?
આ દવાઓ સીધી જ સ્ત્રી અંડબીજ ઉપર અસર કરે છે. જેમકે : અંડને છૂટું પડતું અટકાવે છે, છૂટા પડેલા અંડને ફલિત થતું અટકાવે છે અને જો અંડ ફલિત થયેલ હોય તો તેને ગર્ભાશયમાં ચીપતું અટકાવે છે. આમ અનિચ્છનીય અને આકસ્મિક ગર્ભાધાનને અટકાવે છે.
E-PILLS આડ અસર
ઊલટી-ઉબકા, માથાનો દુઃખાવો, સ્તનમાં થતો દુઃખાવો અને ગભરામણ-અસુખ થાય છે.
નોંધઃ આ ગોળીઓથી ગર્ભાશયની બહાર (ગર્ભાશયની નલિકામાં) થતું ગર્ભારોપણ અટકાવી શકાતું નથી.
E-PILLS સાવચેતી
જો ઇ.પિલ્સ લીધા પછી પણ માસિક ન આવે, અતિ વધુ આવે, નહીંવ-ઓછું (સ્કેન્ટી) આવે, માસિક દુઃખાવા સાથે આવે તો ડૉકટરનો સંપર્ક કરવો.
ફિમેઇલ : એન્ડોમિનલ ટી.એલ. (મહિલા નસબંધી)
ગર્ભનિરોધની આ પદ્ધતિમાં પેટ ઉપર ચીરો મૂકીને ગર્ભાશય સાથે જોડાયેલ બંને બાજુની ગર્ભનલિકાઓ (ફેલોપિયન ટયૂબ) ને બાંધીને કાપવામાં આવે છે. તેથી સ્ત્રીઅંડકોષમાંથી બહાર આવતું અંડ ગર્ભાશય સુધી પહોંચી શકતું નથી. અને તે શુક્રાણુઓના સંપર્કમાં આવતું નથી.
આ એક પ્રકારની સ્થાયી અને કાયમી પદ્ધતિ હોવાથી પુનઃસંતાન પ્રાપ્તિ અર્થે ફરીવાર ખૂલી શકે નહીં.
લેપ્રોસ્કોપિક ટી.એલ. (દૂરબીન દ્વારા મહિલા નસબંધી)
ગર્ભનિરોધની આ પદ્ધતિમાં પેટમાં કાણું પાડી, તેમાં દૂરબીન (લેપ્રોસ્કોપ) ઉતારી તેની મદદથી ગર્ભાશયની બંને બાજુની ગર્ભનલિકા (ફેલોપિયન ટ્યૂબ) પર રિંગ ચડાવી તેને બંધ કરવામાં આવે છે. (ગર્ભનલિકાઓને કાપવામાં આવતી નથી.) એટલે જ તો ભવિષ્યમાં સંતાન પ્રાપ્ત કરવાના સંજોગો ઊભા થાય તો તેને ફરીવાર ખોલી શકાય છે, અને પુનઃસંતાન મેળવી શકાય છે.
ઉપરોકત બંને પદ્ધતિથી થતાં ઓપરેશન માસિક પૂરું થયા પછીના ૭ દિવસમાં કરાવી શકાય. કોઇ સંજોગવશાત્ ગર્ભપાત કરાવવાનો થાય તો તે સમયે જ ઓપરેશન કરી શકાય છે.
પુરુષ નસબંધી : (વાઝેકટોમી)
પુરુષ નસબંધી તરીકે ઓળખાતું આ ઓપરેશન ઓછામાં ઓછી શસ્ત્રક્રિયા દ્વારા કરાય છે. પુરુષના વૃષણની કોથળીમાં નાનું કાણું પાડી તેમાં દૂરબીન ઉતારી શુક્રવાહિનીઓની નસોને બાંધવામાં આવે છે. તેથી શુક્રાણુઓ ત્યાંથી આગળ વધી શક્તાં નથી.
આ ઓપરેશનમાં ટાંકા લેવામાં આવતા નથી, માત્ર એક નાની પટ્ટી લગાવવામાં આવે છે. લોહી નીકળતું નથી, ઓપરેશન બાદ તુરંત રજા મળે છે, કામકાજ પર કોઇ વિક્ષેપ પડતો નથી અને મર્દાનગી તથા જોશ પર કોઈ અસર થતી નથી.
ડૉ. દેવીના એસ. અખાણી M.D. | |
પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત (Obs & Gyn) | |
દેવશ્રી હોસ્પિટલ, 10-શક્તિ પ્લોટ, શનાળા રોડ, મોરબી. ફોન : – | |
Email: dr_sunilakhani@hotmail.com |