સગર્ભાવસ્થા દરમિયાન આવશ્યક લેબોરેટરી ટેસ્ટ

Join Whatsapp Group Join Now

સગર્ભાનાં લોહી-પેશાબનાં સામાન્ય પરીક્ષણોથી માંડી અઘતન લેબોરેટરી પરીક્ષણો કરાવવામાં આવે છે, જેવાં કે : પ્રેગનન્સિ ટેસ્ટ, હીમોગ્લોબિન, લોહીનું ગ્રૂપ, ડાયાબિટીસ, ઝેરી કમળો, એઇડ્સ, સીફિલિસ-ગુપ્તરોગ, થાઇરોડ વગેરે સંબંધીત પરીક્ષણો કરવામાં આવે છે.

સગર્ભાવસ્થા દરમિયાન આવશ્યક લેબોરેટરી ટેસ્ટ

સમાન્ય પરીક્ષણો

પ્રેગનન્સિ ટેસ્ટ ઉપરાંત, હીમોગ્લોબિન,લોહીનું ગ્રૂપ, ડાયાબિટીસ, ઝેરી કમળો, એઇડ્સ, સીફિલિસ-ગુપ્તરોગ, થાઇરોડ વગેરેને સંબંધિત પરીક્ષણો કરવામાં આવે છે. તે વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ તે પહેલાં અદ્યતન પરીક્ષણોનાં માત્ર નામ જાણી લઇએ.

અધતન પરીક્ષણો

કેટલાંક રોગોનાં નામના પ્રથમ અંગ્રેજી મૂળાક્ષરને લઇ તેને સંયુક્ત રીતે TORCH જેવા ટૂંકાક્ષરી નામથી ઓળખવામાં આવે છે. આવા રોગોનાં નામ જાણી સંતોષ લઇશું.

T : TOXOPLASMOSIS
O : OTHERS
R : RUBELLA
C : CYTOMEGALO VIRUS
H : HERPIS VIRUS

ઉપરોક્ત રોગોમાંથી કોઇ રોગ સગર્ભાને થાય તો તેનો ચેપ મેલી-પ્લેસેન્ટા દ્વારા ભ્રૂણને લાગે. પરિણામે ગર્ભપાત થાય, બાળક ખોડખાંપણવાળું જન્મે અથવા તો મૃત જન્મે. તેથી TORCH જેવાં પરીક્ષણો કરાવવામાં આવે છે. જે મહિલાને વારંવાર ગર્ભપાત થતો હોય તેવા કેસમાં આવાં પરીક્ષણોનું મહત્ત્વ વિશેષ હોય છે.

આ વિષય ડૉક્ટરનો છે, તેથી અહીં અટકીએ અને કેટલાંક સામાન્ય તોપણ અગત્યનાં પરીક્ષણો વિશે જાણીએ.

પ્રેગનન્સિ ટેસ્ટ (Pregnancy Test)

અનિયમિત માસિકચક્ર આવતું હોય એવી મહિલાઓને માસિક આવવાના અંદાજિત દિવસ ઉપરાંત કેટલાક દિવસો પસાર થાય એટલે ગર્ભ હોવા વિશે શંકા ઊભી થાય. આવી શંકાને સમર્થન આપતાં અન્ય કોઇ લક્ષણો ન કળાતાં હોય ત્યારે, પ્રેગનન્સિ ટેસ્ટ દ્વારા ગર્ભ હોવા કે ન હોવા વિશે સચોટ માહિતી મેળવી શકાય છે.

પ્રેગનન્સિ ટેસ્ટ સગર્ભાના પેશાબમાં વહેતાં ખાસ પ્રકારનાં જૈવરાસાયણિક તત્ત્વો, HCG ઉપર આધારિત હોય છે.

પ્રેગકલરના નામે ઓળખાતી ટેસ્ટ સગર્ભા જાતે ઘરે બેઠાં કરી શકે છે. ગર્ભ રહ્યાના ૧૦ દિવસ બાદ આ ટેસ્ટ કરી શકાય છે. તે માટેના તૈયાર કાર્ડ (પ્લાસ્ટિકની પટ્ટી) ઉપર સગર્ભાના પેશાબનાં બે-ચાર ટીપાં મૂકવામાં આવે એટલે, તેમાં થતાં પરિવર્તનથી, ગર્ભ છે કે નથી તે જાણી શકાય છે.

પ્રેગનન્સિ ટેસ્ટ પોઝિટીવ, નેગેટિવ

અદ્યતન અને અતિ સંવેદનશીલ ટેસ્ટ Early Immuno-logical Test દ્વારા, માત્ર ચાર મિનિટમાં અને તે પણ માસિકચક્ર બંધ થયાની બીજી જ ક્ષણે, હા કે ના માં જવાબ મેળવી શકાય છે. આ ટેસ્ટ સગર્ભાના રક્તના સેમ્પલ દ્વારા કરવામાં આવે છે.

લોહીનું ગ્રૂપ ટેસ્ટ (Blood Group Test)

સગર્ભાના લોહીના ગ્રૂપ વિશે જાણકારી ઉપલબ્ધ હોય તો અકસ્માત કે સિઝેરિયન ઑપરેશન જેવા સંજોગોમાં લોહી ચડાવવાની આવશ્યકતા ઊભી થાય તો તે કાર્ય સરળ બને છે. તદુપરાંત…

સગર્ભાવસ્થાની સલામતી અને ગર્ભાશયમાં વિકસતા ભ્રૂણની જિંદગી ઉપર લોહીના ગ્રૂપને કારણે, કોઇ કેસમાં, સંકટ ઊભું થાય છે ! આ વિષય અટપટો છે તોપણ પ્રાથમિક જાણકારી મેળવીએઃ

નરી આંખે જોઇએ તો લોહીનો રંગ લાલ, એ ખરું, પરંતુ સૂક્ષ્મતાથી અવલોકન કરીએ તો લોહીનાં ભિન્ન ભિન્ન ગ્રૂપ હોય છે. જેવાં કે : A, B, AB, O અને પેટા ગ્રૂપ જેવાં કે Rh- negative(નેગેટિવ), Rh-positive (પૉઝિટિવ). મનુષ્યની નસનસમાં વહેતા નાત-જાતના ભેદ જે રીતે અનેક સામાજિક સમસ્યાઓ ખડી કરે છે તેમ લોહીના ગ્રૂપના ભેદ પણ પ્રજોત્પત્તિના કાર્યમાં ખલેલ પહોંચાડે છે !

નેગેટિવ ગ્રૂપ ધરાવતી સગર્ભાના ગર્ભાશયમાં પાંગરતા ભ્રૂણનું લોહી પૉઝિટિવ ગ્રૂપનું હોય તો બંને વિભિન્ન ગ્રૂપના લોહી વચ્ચે સંકુલ જૈવરાસાયણિક પ્રક્રિયા ઉદ્ભવે છે. જેના અનિચ્છનીય પરિણામો આવી શકે છે, જેવાં કે; ગર્ભપાત થવો, ભ્રૂણનું ગર્ભાશયમાં જ મૃત્યુ થવું, નવજાત શિશુનો કમળાના રોગ સાથે જ જન્મ થવો અથવા જન્મબાદ પ્રથમ ૨૪ કલાકમાં જ નવજાત શિશુને કમળો થવો.

કારણોથી નેગેટિવ ગ્રૂપ ધરાવતી સર્ગભાને ડૉક્ટર અસલામત સગર્ભાવસ્થાના વર્ગમાં સામેલ કરે છે.

નેગેટિવ ગ્રૂપની સગર્ભાને જો પૉઝિટિવ ગ્રૂપ ધરાવતું બાળક જન્મે તો પ્રસૂતિ પશ્ચાત, બે કે ત્રણ દિવસમાં જ, માતાને ANTI-D નામે ઓળખાતું ઇંજેક્શન આપવાનું હોય છે. જે ત્યાર પછીની સગર્ભાવસ્થામાં ગર્ભને ઉપરોક્ત આડઅસરોથી બચાવે છે.

હીમોગ્લોબિન ટેસ્ટ (Hemoglobin Test)

મનુષ્યના લોહીનાં ગ્રૂપ ભિન્ન ભિન્ન હોય છે, પણ તેને વ્યક્તિગત ગુણ-અવગુણ સાથે કોઇ નિસબત હોતી નથી. તંદુરસ્ત કે ફિક્કા લોહીની પરખ તેની અંદરના મુખ્ય તત્ત્વ હીમોગ્લોબિન (લોહતત્ત્વ) ની માત્રા ઉપરથી થાય છે. લોહી લાલચટ્ટાક હોવાનું શ્રેય હીમોગ્લોબિનના ફાળે જાય છે. સગર્ભાવસ્થામાં હીમોગ્લોબિનનું પ્રમાણ જાણવું જોઇએ અને જાળવવું પણ જોઇએ. એવો ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હોય કે, લાલચટ્ટાક લોહી ધરાવતી સગર્ભા એટલે તંદુરસ્ત સગર્ભા. તંદુરસ્ત સગર્ભા જ ગુલાબના ફૂલ જેવા કોમળ અને લાલ ચણોઠી જેવા તંદુરસ્ત બાળકને જન્મ આપે. અપૂરતું હીમોગ્લોબિન એટલે એનીમિયા. એનીમિયા વિશે હવે પછીનાં પૃષ્ઠો ઉપર વિસ્તૃત જાણકારી આપી છે.

એઇડ્સ ટેસ્ટ/પરીક્ષણ (AIDS Test)

સગર્ભા એઇડ્સના રોગનો શિકાર બને તો (HIV +VE અથવા HIV Reactive) તેને એઇડ્સથી અભડાયેલું બાળક જન્મે એવી સંભાવનાઓ હોય છે. એઇડ્સગ્રસ્ત બાળકનો જન્મ એટલે સમગ્ર સમાજ માટે શરમજનક ઘટના ! સગર્ભાનાં લોહીનાં પરીક્ષણોમાં એટલે જ તો એઇડ્સના રોગના નિદાન માટેનાં -HIV પરીક્ષણોનો સમાવેશ કરવામાં આવે છે.