4 ભાષાઓના સાહિત્ય અકાદમી પુરસ્કારની ધોષણા

Join Whatsapp Group Join Now

સાહિત્ય અકાદમીએ તાજેતરમાં બાકી રહેલી 4 ભાષાઓ ઉડિયા, મલયાલમ, નેપાળી અને રાજસ્થાની માટેના સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2020ની ઘોષણા કરી હતી. લેખિકા યશોધરા મિશ્રાને તેમના પુસ્તક ‘સમુદ્રકુળ ધરા’ માટે ઉડિયા ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રદાન કરાયો હતો જયારે મલયાલમ લેખક ઓમચેરી એન.એન. પિલ્લઈને તેમના સંસ્મરણ પુસ્તક “આકસ્મિકમ : ઓમચરિયુત ઓરમા-કકુરિપુકલ’ બદલ પ્રતિષ્ઠિત પુરસ્કારથી અલંકૃત કરાયા હતા. નેપાળી ભાષાનો વર્ષ 2020નો સાહિત્ય અકાદમી પુરસ્કાર શંકરદેવ ઢકાલને તેમની નવલકથા “કિરાયાકો કોખ’ બદલ એનાયત કરાયો હતો. જયારે રાજસ્થાની ભાષાનું સાહિત્ય અકાદમી સન્માન ભંવરસિંહ સામોરને તેમના નિબંધ સંગ્રહ “સંસ્કૃતિ રી સનાતન દીઠ’ બદલ પ્રદાન કરાયું હતું.

યશોધરા મિશ્રા

લેખિકા, કવયિત્રી અને શિક્ષણવિદ્દ યશોધરા મિશ્રા પાસે લઘુકથાઓ, નવલકથાઓ, કવિતાઓ અને અનુવાદન કાર્યોના 15થી વધુ સંગ્રહ છે. યશોધરા મિશ્રા સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત સાહિત્યિક પત્રિકા “ભારતીય સાહિત્યના સંપાદક (એડિટર) બનનારા પહેલાં મહિલા છે.

ઓમચેરી NN પિલ્લાઈ

પ્રસિદ્ધ નવલકથાકાર અને નાટ્યકાર પ્રોફેસર ઓમચેરી NN પિલ્લઈએ મલયાલમ સાહિત્ય અને આધુનિક મલયાલમ રંગમંચ આંદોલનમાં યોગદાન આપ્યું છે. ઓમચરી NN પિલ્લઈએ ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)ની મલયાલમ સમાચાર વિભાગના પ્રમુખ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનના ડાયરેક્ટર તરીકે કાર્ય કરેલું છે. તેઓએ વર્લ્ડ બેંક, UNESCO અને બ્રિટિશ કાઉન્સિલના સંચાર સલાહકાર તરીકે પણ કાર્ય કરેલું છે.

સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2020

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020ની ઘોષણા માર્ચ 2021માં કરવામાં આવી હતી. અને પુરસ્કાર ઉડિયા, રાજસ્થાની, મલયાલમ અને નેપાળીને બાદ કરતા 20 ભારતીય ભાષાઓમાં સાહિત્યિક રચનાઓ માટે પ્રદાન કરવામાં આવ્યા હતા. પુરસ્કારમાં તાંબાની તકતી અને 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાય છે. સાહિત્ય અકાદમી અંગ્રેજી સહિત 24 ભાષાઓની સાહિત્યિક કૃતિઓને પુરસ્કાર પ્રદાન કરે છે.

મલયાલમ ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર, 2020 શ્રીમતી ગ્રેસીને

સાહિત્ય અકાદમીના પ્રમુખ ડો. ચંદ્રશેખર કમ્બારે મલયાલમ ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર, 2020 મલયાલમ લેખિકા શ્રીમતી ગ્રેસીને તેમના વાર્તાસંગ્રહ વઝથપેટ્ટા પૂચા” બદલ એનાયત કર્યો છે. મલયાલમ ભાષાના બાળ સાહિત્ય પુરસ્કારના વિજેતાની પસંદગી કરવા રચાયેલી ત્રણ સદ્દસ્યોની જયુરીની ભલામણોના આધારે શ્રીમતી ગ્રેસીની વરણી કરાઈ હતી.

ગુજરાતના અભિમન્યુ આચાર્યને “પડછાયાઓ વચ્ચે ટૂંકીવાર્તાઓ બદલ સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર

સાહિત્ય અકાદમીએ તાજેતરમાં વર્ષ 2020 માટેના બાકી રહેલા વાર્ષિક યુવા પુરસ્કાર પાંચ ભાષાઓમાં જાહેર કર્યા હતા જેમાં ગુજરાતી ભાષામાં લેખક અભિમન્યુ આચાર્યને તેમના ટૂંકીવાર્તાઓના સંગ્રહ ‘પડછાયાઓ વચ્ચે’ બદલ. પ્રતિષ્ઠિત યુવા સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરાયો છે. સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કારના વિજેતાની પસંદગી માટેના ગુજરાતી ભાષાના જ્યુરી મેમ્બર્સમાં દીપક મહેતા, ડો.યોશ દવે અને જયદેવ શુકલનો સમાવેશ થતો હતો. મલયાલમ ભાષાનો યુવા પુરસ્કાર અબિન જોસેફને તેમના ટૂંકીવાર્તાઓના સંગ્રહ કલ્લિયાસરી થીસિસ’ બદલ જયારે સિંધી ભાષામાં યુવા પુરસ્કાર 2020 કોમલ જગદીશ દયલાણીને ટૂંકીવાર્તાઓના તેમના સંગ્રહ ‘કાગ’ બદલ એનાયત કરાયો હતો. બંગાળી ભાષાનો યુવા પુરસ્કાર 2020 સયમ બંદોપાધ્યાયને તેમની નવલકથા ‘પૂરણપુરુષ’ માટે જયારે મરાઠી ભાષાનો યુવા પુરસ્કાર પ્રજાક્ત દેશમુખને તેમના મરાઠી નાટક ‘દેવભાભી’ બદલ અર્પણ કરાયો હતો. પુરસ્કાર સ્વરૂપે તાંબાની તકતી અને રૂ.50,000નો ચેક આપવામાં આવે છે.

સાહિત્ય અકાદમી વિષે

  • સ્થાપના : 12 માર્ચ, 1954
  • વડુમથક : રબીન્દ્રભવન, નવી દિલ્હી
  • પ્રમુખ : ડૉ.ચંદ્રશેખર કમ્બાર

Leave a Comment